બાંધ-છોડ હોય!(ગઝલ)

ઇચ્છા ભલે હો નાની-અમથી, પણ કમરતોડ હોય!
એક સપનું પૂરું કરવા માંય કેટલી બાંધ-છોડ હોય!
 
કોઇ આખું પુસ્તક લખીને વાત ન સમજાવી શકે,
ને કોઇકની પ્રસ્તાવનામાં જ બધો નીચોડ હોય.
 
કેમ પરણી જતાં હશે લોકો કોઇ રુકમણી સાથે?
વર્ષોથી જેને રાધા સાથે પરણવાના કોડ હોય!
 
દોડે છે બધાં અંધાધૂંધીમાં જેમ-તેમ ‘આદિત’,
જીંદગી વરદાન નહીં પણ જાણે કોઇ હોડ હોય.
 
– આદિત

ગઝલ

બહું ઊંચે ચઢ્યા પછી, એકાદ પહાડ ઢળતો આવશે!
આશાઓ પરવારે જ્યારે, એકાદ તારો ખરતો આવશે!

ભલે ને તમને લાગે કે ‘શૂન્યમનસ્ક’ છો,
એકાદ વિચાર તો એમ રખડતો આવશે!

‘બધા મરજીવા ગુજરી ગયા’, જાહેર કરો,
પછી જુઓ, મોતી કેવો તરતો આવશે!

એમ કઇ દુનીયા પતી નૈ જવાની ૨૦૧૨માં,
ફરી કોઇ પયગંબર ભ્રમણ કરતો આવશે!

મેં જ સોંપ્યો’તો જીવ મારા પ્રભુને,
થયું, એ બહાને જરા ફરતો આવશે!

– આદિત

ખૂટી પડી!

ચૂસી ગયો ભમરો બધી, મહેક કળી માહી ખૂટી પડી!
ઇમારતો બધી, ઇચ્છી-ચણી-વાપરી-ચાહી, તૂટી પડી!

દઇ દીધું હોત સઘળું જરાક વહેલું માંગ્યું હોત તો,
ખરા વખતે દરબારની ભલમણશાહી ખૂટી પડી !

ચાલ્યો પુણ્યો સાથે તો સ્વર્ગ દેખાયું કશે આગળ,
ખુદાના સ્પર્શથી, પાપની જવાબદારી છૂટી પડી!

શોર કેટલો કરી નાખ્યો છે જગે આખાએ જગમાં,
બેઠો બાકડે બે ઘડી, એકાંતની વિરાની ખૂટી પડી!

ચીતર્યું છે આખું આકાશ અમે અંધકારથી ‘આદિત’,
બસ ખાલી ચાંદ-તારા જેટલી શ્યાહી ખૂટી પડી !

– આદિત