‘દિલજલે’ (ગુજરાતી વાર્તા, ભાગ-૧)

(Inspiration: આજે લગભગ ૨ મહિના પછી અહીં બૉસ્ટન (Boston, MA-USA) માં તાપમાન ૦c ની ઉપર ગયું..બરફના ઢગલા પીગળ્યા અને બધે પાણી પાણી..તો મને થયું..”આજે સૂરજ અને બરફે ભેગા મળીને ધરતીને છેતરી! ધરતીને તો એવું જ લાગ્યું હશેને કે વરસાદ પડ્યો!” અને આ આખી વાર્તા મનમાં સ્ફૂરી ગઈ!..આને Science Fiction કહેવાય કે નહીં એ નથી જાણતો..પણ દરેક પાત્ર scientific & almost real છે…!)

મેઘ અને હિમ બે ભાઈઓ. વર્ષાના દિકરા. મેઘવર્ષા, હિમવર્ષા.(હા, બન્નેએ સંજય લીલા ભણસાલીની જેમ ‘મા’નું નામ પાછળ લગાવ્યું’તુ!) બન્ને અવાર-નવાર ધરતીને મળવા જાય! ત્રણેય ખાસ મિત્રો ય ખરા..

મેઘ અને ધરતી પ્રેમમાં પડ્યા! આ વાતની જાણ હિમને થઈ, ખુશ થયો પણ એના મનમાંય ક્યાંક ધરતી માટે પ્રેમ તો હતો જ એટલે એને ઇર્ષ્યા આવી. પણ પોતાના ખાસ મિત્રોને ખુશ જોઈ એ બધું દુઃખ ગળી ગયો!
મેઘ ને ધરતીનો સંસાર સુખેથી ચાલ્યો. એમના બચ્ચા થયા. થોડા મા પર ગયા એ ધરતી સાથે રહેતા, જે બાપ પર ગયા એ દરિયામાં!

આ બાજું સૂરજ બધું ચૂપચાપ જોતો’તો! એ તો પ્રેમની આગમાં વર્ષોથી બળતો’તો! એ વિચારે એના લીધે ધરતી ને મેઘ મળ્યા
અને એ તો ધરતીનો બચપણનો મિત્ર..તો ય મેઘ બાજી મારી ગયો!
શું કરે?!..દૂર બેઠા બેઠા બળવા સિવાય! મેઘ અને ધરતીના સંબંધ તોડાવવા, ધરતીને બદનામ કરવાની યુક્તિ-પ્રયુક્તિઓ રચ્યા કરે, પણ દૂરથી કઈ implement ના કરાય!

સૂરજને હિમના મનની વાતની ખબર હતી અને પોતાની બાજીના મોહરા તરીકે એને ઉપયોગ કરવાની યોજના ઘડી!
મેઘ આ વખતે ધરતીને ખુશ કરવા કઇંક surprise વિચારતો હતો..એટલે વિજળી અને ધડાકા લેવા વિદેશ ગયો. સૂરજે મોકાનો ફાયદો ઉઠાવીને હિમની કાન ભંભેરણી ચાલું કરી..એને લાલચ આપી કે એ હિમને મેઘના રુપમાં transform કરી શકે છે..અને જો એમ થાય તો હિમને ધરતી સાથે પ્રણયનો મોકો મળી જશે! હિમ લલચાયો, એની વર્ષોની ઈચ્છા પૂરી થતી દેખાઇ પણ મિત્રોને દગો દેવાનું મન ના માન્યું એટલે એને સૂરજને ચોખ્ખી ‘ના’ સંભળાવી. ‘ના’ સાંભળીને અને પોતાની પોલ ખુલી જવાના ડરથી સૂરજે હિમને મોતની ધમકી આપી અને હિમને વાત માનવી પડી!

બધું નક્કી થયુંને સૂરજે હિમને મેઘમાં બદલ્યો! હિમ મળ્યો ધરતીને મેઘના રુપમાં..ધરતી તો કસમયે આવેલા પ્રિયતમને જોઈને આશ્ર્ચર્યચકિત થઈ પણ મેઘ સાથે વધારે સમય માણવા મળશે એ વાતથી ગેલમાં આવી ગઈ! પણ ધરતીની sixth sense કામ કરી ગઈ! (આખરે એ પણ એક સ્ત્રી જ ને!).. એની સામે હિમની અસલીયત ખુલી પડી ગઇ!
કપરો સમય!
આટલો જૂનો દોસ્ત!
આવો દગો!
હદ છે!
ધરતીએ વાતના મૂળ સુધી જવાનું નક્કી કર્યું..
સૂરજ રંગે હાથ પકડાયો! ધરતી તો રણચંડી બની, સૂરજનું પતન નિશ્ર્ચિત હતું.

સૂરજ અહીં પણ બાજી રમી ગયો..આ પરિસ્થિતિનો ભાસ પહેલેથી જ હતો એટલે એને પહેલેથી જ ચંદુ (મૂળનામઃ ચંદ્રેશ), ધરતીના ભાઈ, ને પોતાના અહેસાનો નીચે દબાવી રાખેલો! ચંદુના સમજાવાથી ધરતી શાંત પડી અને બધો ગુસ્સો અંતરમાં સમાવી લીધો!
ચંદુ હંમેશા double ઢોલકી રહ્યો..અડધો ધરતી બાજું, અડધો સૂરજ બાજું!
હિમને ધરતીએ માફ કરી દીધો..પણ હિમ અને ધરતી ફરી ક્યારેય નજીક ના આવી શક્યા..બન્ને વચ્ચે હંમેશા અંતર રહ્યું..
પણ ધરતીના ઉંડાણમાં આગ હજું ય સળગે છે!

સૂરજ શાંત પડે એમાનો નહોતો! શર્મનાક હારનો બદલો લેવાનો હતો!
કેવી રીતે બદલો લે છે એ જાણવા..રાહ જુઓ..ભાગ-૨!

-આદિત