“જે મારતું તે પોષતું” (નવલિકા)

એપ્રિલ ૨૦૦૮…
‘યમુનાષ્ટક’ ના છેલ્લા પાઠ પતાવીને ધારિત મમ્મીના ફોટા સામે જઈને ઊભો રહ્યો. યમુનાષ્ટકના પાઠતો દિનચર્યા હતી પણ આજે દિવસ કંઈ ખાસ હતો.
મહત્વના પ્રસંગે ધારિત હંમેશા મમ્મી-પપ્પાને પગે લાગીને જતો. પણ નિરાલીબેન, ધારિતની મા, પાંચેક વર્ષથી ફોટામાં જહતા! ધારિતે મમ્મીને એટલું જ કીધું ‘મમ્મી, આજે સંભાળી લેજે !’ એટલામા રીક્ષાનુ હોર્ન સંભળાયું એટલે ધારિત ફટાફટ બૅગ લઈને કૉલેજ જવા નીકળ્યો. રીક્ષાનું હોર્ન બીજા કોઇએ નહીં પણ ધીરુંભાઈ, ધારિતના પપ્પા, એ વગાડ્યું હતું. જતાં પહેલાં ધારિત સ્વરિત, ધારિતનો નાનોભાઈ, ને ભેટીને ગયો.. ‘બેસ્ટઓફ લક’ અને ‘થૅન્ક્સ’ ના સંવાદ પછી રીક્ષા ઊપડી.

ધારિત એમ.એસ. યુનિવર્સિટીમા કમ્પ્યૂટર સાયન્સ એંજીનીયરીંગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતો હતો. નિરાલીબેન ગુજર્યા ત્યારથી ધીરુંભાઈએ બન્ને છોકરાની કાળજી લીધેલી. ધીરુંભાઈની ફૅક્ટરીમાંથી જૉબ છૂટતા એમને રીક્ષા ચલાવવાનું ચાલુ કરેલું પણ છોકરાને ભણાવવામા કઈ કસર નહતી રાખી. અને પાછા બન્ને છોકરા ભણવામાં ખૂબ તેજસ્વી, આખી સોસાયટીમા એમના વખાણ થાય. સ્વરિતનો ગયા વર્ષે દશમામા બોર્ડમાં નંબર આવ્યો હતોને એ એના ભાઈની જેમ જ સાયન્સ લાઈનમા આગળ વધતો હતો. ધારિત દશમાં મા હતો ત્યારે મમ્મીના અણધાર્યા અવસાનને લીધે બૉર્ડમા નંબર ચૂકી ગયો હતો. પણ બારમામા એ નંબર લઈ આવ્યો. બધાએ ‘મૅડીકલ’ લાઈનમા જવાની સલાહ આપી પણ ઘરની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમા રાખીને જલદી નોકરીએ લગાય એ આશાએ ધારિતે ઍંજીનીયરીંગ ચાલું કરેલું, અને આજે એ લક્ષ્ય સાધવાનો મહત્વનો દિવસ હતો. કૉલેજનો પ્રથમ કૅમ્પસ ઈંટર્વ્યુ. ભારતની મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપની આવવાની હતી. ધીરુંભાઈ, સ્વરિતથી માંડીને કૉલેજના પ્રોફેસરને પણ ધારિત પર પૂરો વિશ્ર્વાસ હતો.

રીક્ષા ઉપડી કે ધારિતનું મન આત્મવિશ્ર્વાસ ભેગો કરવામા લાગી ગયું. અત્યારસુધીની બધી મહેનત આજે કામે લાગી જાય તો વાત બની જાય. બસ આજની પરીક્ષા પાસ એટલે અડધી જીંદગીની તો શાંતિ.. પપ્પા ખુશ, સ્વરિતના ભણવાના ખર્ચા અને અત્યારસુધી પોતે દબાઈ રાખેલી બધી ઇચ્છાઓનું નિરાકરણ.
આ બાજૂ ધીરુંભાઈનું મન પણ વિચારે ચઢ્યું. બધા મા-બાપની જેમ એમને પણ ધારિત પર ઘણી આશા હતી. રીક્ષા ચલાવીને હવે ઘર ચાલતું નહતું, સ્કૂલની વર્ધીઓ પણ હવે ‘વૅન’ વાળાઓને લીધે ઘટી હતી. સરકાર સી.એન.જી. રીક્ષા માટે આગ્રહ કરી રહી હતી અને અધૂરામાં પૂરુ, શહેર મા નવી પ્રાઈવેટ બસ સેવાની વાત ચાલું હતી, એટલે આ રીક્ષાને ક્યારે વેચીને ઘરે શાંતિથી જીવન વીતાવે એની ધીરુંભાઈ રાહ જોતા હતા.
વિચાર-વિચારમા માંડવી-ન્યાયંદિર-કાલાઘોડા ક્યા પસાર થઈ ગયા એની ખબરના પડી. ધારિત પપ્પાને પગે લાગી ‘જય શ્રી કૃષ્ણ’ કહી કૉલેજના ગૅટ પાસે રીક્ષામાથી ઉતર્યો.
*********************************************************************************************************************
૪ મહિના પછી…
‘જવાદેને બેટા, આજે તો કંઈ ધંધો જ નથી થયો, લાગે છે રાત્રે બેસવું પડશે સવારી માટે!, આ નવી બસ સર્વીસવાળા, શું નામ છે?.. હા, વ્હીલકૉસ, એમને તો સાવ ધંધો બેસાડી દીધો છે! અહીંથી સ્ટૅશન જવાના ૪ રુપીયા પછી રીક્ષામા કોણ ૧૦ ખર્ચે?’ ધીરુંભાઈએ ઘરે આવતા જ વાત છેડી.

ધારિતે પોતાનો કન્ફર્મેશન લૅટર ધરતા કહ્યું, ‘પપ્પા, ચિંતા ના કરશો, હવે બસ બે સૅમીસ્ટર રાહ જુઓ પછી તમારું આ રીક્ષા ચલાવવાનું બંધ ને મારી નોકરી ચાલું! આ જુઓ કન્ફર્મેશન લૅટર! જોઈનીંગ ડૅટ પણ લખી છે, ૧ જુન, ૨૦૦૯.’
ધીરુંભાઈએ કન્ફર્મેશન લૅટર હાથમા લીધો અને બાપ તરીકે નો સાહજીક સવાલ કર્યો, ‘બેટા, પગાર કેટલો?’
‘૩૦,૦૦૦ રુપીયા પર મન્થ!’
‘વાહ્! એટલા બે મહીનામાં તો નવી સી.એન.જી આવી જાય એ પણ ડાઊન પૅયમેન્ટ!’
‘બસ, હું જૉબ ચાલૂ કરું એટલે રીક્ષા વેચી દેવાની, NOW ENJOY YOUR LIFE PAPPA!, તમ-તમારે આખો દિવસ મંદિરમા બેસી રહેજો , ઠાકોરજીની શરણે!’
અને બન્નેના મોઢે સ્મિત વેરાઈ ગયું.

*********************************************************************************************************************

૩ મહિના પછી…
ધીરુંભાઇની તબીયત હવે જવાબ આપવા લાગી હતી. ‘asthma’ એ ઘર જમાવ્યુ હતું, તો ય પૈસાની ચીંતામા રીક્ષા ચાલું રાખી હતી. ધારિતને હજું છેલ્લું સૅમીસ્ટર બાકી હતું પણ છેલ્લા સૅમીસ્ટરમા તો એને ‘training’ મા જવાનું હતુ અને એ કંપની કઈ પગાર પણ આપવાની હતી એટલે ધીરુભાઈએ હવે કામ ઘટાડ્યું હતું! આમ પણ ‘વ્હીલકૉસ’ના કારણે ધંધો તો સાવ મંદો જ હતો.
‘પપ્પા રહેવા દો! આજે તમારે નથી નીકળવાનું ઘરેથી!’
‘પણ બેટા તારી exam છે ને?’
‘જતો રહીશ પપ્પા! વહેલો નીકળું છું, ચાર રસ્તે ઊભો રહીશ, કોઇક તો friend મળી જ જશે!’
‘પણ બેટા, આગલા papers મા પણ તું ધવલ, સાગર, સંકેત ને પેલા પંકિતની બાઈક પર ગયો તો ને? મને નથી ગમતું, એ લોકો સાવ રફ ચલાવે છે, રસ્તામાં કંઈ થઈ ગયું તો?’
‘સારું તો ‘વ્હીલકૉસ’મા જતો રહીશ.. પણ આજે તમારે બહાર નીકળવાનું નથી’
‘સ્વરિત!, જો જે પપ્પા આજે વર્ધી સિવાય જાય ના બહાર્!’ સ્વરિતને સમજાઈને અને પપ્પાને ‘જય શ્રી કૃષ્ણ’ કહીને ધારિત છેલ્લું પૅપર આપવા નીકળ્યો!
નીકળતામાં જ બસ મળી ગઈ. આવી સારી સર્વિસના કારણે ‘વ્હીલકૉસ’ લોકપ્રિય બની હતી! બસમા ચઢતા જ ધારિતની નજર એક ચહેરા પર પડી, કંઈક જાણીતો ચહેરો માલૂમ પડ્યો!
‘આ તો આન્યા!, આન્યા શાહ!’ ધારિતે મનમા કહ્યું!
આન્યા શાહ, ધારિતની સ્કૂલમા સાથે હતી. ધારિતનો પ્રથમ પ્રેમ. પણ ભણતરના ભારણ અને પોતાની ઘરની જવાબદારીને સમજીને ધારિત ક્યારેય એ દિશામા આગળ નહ્તો વધ્યો!
પણ આજે અચાનક ત્રણ વર્ષ પછી જોઈને પાછા ફણગા ફૂટવા માંડ્યા..!
‘ધારિત, ધારિત દેસાઈ, right?’
‘હા’
‘ઓળખાણ પડી? જાડ્યા! પણ તું કેટલો પાતળો થઈ ગયો છે?’
‘પડે જ ને કેમ નહી? થોડો મૂઝવાયો તો કે આ ‘કૅટી’ ‘કેટરીના’ ક્યારથી થઈ ગઈ? પણ એ માંજરી આંખો જોઈને પછી વિશ્ર્વાસ બેસી ગ્યો કે તું જ છે, what are you doing?, 3 years..where have you been?’
‘બસ હવે, હજું ય સુધર્યો નહીં તુ! અમે ક્યાં તમારા જેવા scholar હતા?! MS મા HOME SCIENCE કરુ, What about you?’
‘oh ho! great! I am doing same but it is COMPUTER instead of HOME! હે! હે! અને આજે 7th sem નું last paper છે’
‘great યાર! શું પ્લાન છે આગળ?’
‘કંઈ નહીં, કૅમ્પસ જૉબ લાગી છે એટલે કરીશું, Hey! કૉલેજ આવી ગઈ!’
‘હા, મારે પણ ઉતરવાનું જ છે..By the way, Give me your mobile number! I don’t want to wait more three years to talk with you again!’
‘Unfortunately, I don’t have mobile but here is my land line number! OK Then! Nice talking to you after such a long time! See you soon, bye, JSK!’
‘Oh! Ceeyaaa!’

******************************************************************************************************************

૯ જાન્યુઆરી, ૨૦૦૯

ધારિત હજું ઊંઘમાં જ હતો. એના અને આન્યાના સપનામા વ્યસ્ત. સુખની નીંદ હતી. સારી નોકરી મળી ગઈ, ગમતી છોકરી મળી ગઈ હવે બીજું શું જોઈએ? આખો મહીનો આન્યા સાથે ફર્યો.
પોતાની પાસે બાઈક નહીં એટલે બન્ને જણા ટાઈમ નક્કી કરી ‘વ્હીલકૉસ’માં જ મળે. શહેરના એક છેડેથી બીજા છેડાની ટીકીટ લેવાનીને પછી વાતોમા મસ્ત થઈ જવાનું. ગમતું સાથે હોય તો સમયની કોને પડી હોય્? મહીનાની લાંબી મૂલાકાતો પ્રેમમા પરિણમી હતી. અને કંપનીમા ‘training’ ચાલૂં થવાને પણ હજું બે અઠવાડીયા બાકી હતા.
ધીરુંભાઇ છાપું વાંચી દોડતા આવ્યાને ધારિતને ઢંઢોળ્યો!
‘આ ‘સુંદરમ સૉફ્ટવૅર’ એટલે તારી જ્યાં જોબ લાગી છે એ જ કંપની ને?’ ધીરુંભાઈએ રઘવાયા સ્વરે પૂછ્યું.
ધારિત આળસ ખાતા બોલ્યો , ‘હા, કેમ? સવાર-સવાર મા આમ કેમ પૂછો છો?’
‘બેટા, આ વાંચ તો ખરો ! એ કંપનીનું તો કઈ કૌભાંડ બહાર આવ્યું છે, કદાચ બંધ થવાની છે!’ બોલતા બોલતા ધીરુંભાઇના શ્ર્વાસ ફૂલવા માંડ્યા!
‘ના હોય, પપ્પા ! એ તો ઇન્ડિયાની ટૉપ ૫ કંપનીમાંની એક છે, તમારી ચોક્કસ કોઈ ભૂલ થતી હશે!’, ધારિતે confidence થી કહ્યું ને છાપું હાથમા લીધું.
છાપું વાંચતા જ ધારિતના પગ નીચેથી જમીન સરકી ગઈ.. વાત સાવ સાચી હતી.. મુખપૃષ્ઠ પર કંપનીના CEOના ફોટા સાથે બધા ખૂલાસા હતા. અને કંપનીના કૌભંડ્ને લીધે એને તાળા લાગવાના હતા. આવી બન્યું’તું ધારિતનું, હાથમાંથી નોકરી ગઈ તો ગઈ પણ છેલ્લા સેમીસ્ટરની ટ્રેનીંગ હવે ક્યાં કરશે એની ચિંતા થઈ ગઈ. શું કરે કંઈ સમઝાતું ન હતું.
આખો દિવસ વિચારમા પસાર થઈ ગયો. સાંજે આન્યાનો ફૉન આવ્યો, એને બધી વાતની જાણ તો થઈ જ હતી.
‘હૅલો! કોણ?’ આન્યાએ પૂછ્યું.
‘ધારિત બોલું, શું કે છે?’, ધારિતે કીધું.
‘તું જરાય ચિંતા ના કર, તને બીજી જોબ મળી જશે.. તારા જેવાને જોબ નહીં આપે તો કોને આપશે?’ આન્યાએ સાંત્વના આપતા કહ્યું.
‘એ તો બરાબર છે પણ મારી training નું શું થશે? હવે હું ક્યા શોધીશ? અહીં વડોદરામાં તો એટલી કંપની પણ નથી!’
‘હમમમમ…કંઈક રસ્તો નીકળશે..તું ચીતા ના કરીશ..wait! અહીં અલકાપુરીમાં એક કંપની મારા પપ્પાના ફ્રેન્ડની છે!, પણ કંપની કદાચ નાની છે’, આન્યાઅએ સુઝાવ આપ્યો!
‘એ તો ચાલશે, ના મામા કરતા કાણા મામા સારા.. Gimme name & address of company, I will submit my resume tomorrow!’ ધારિતને થોડી રાહત થઈ.
‘આ ભર શિયાળે વરસાદ ચાલું થયો છે, મને તો વરસાદમા ફરવાની બહું મઝા આવે.. તું આવતો હોય તો હમણા નીકળીયે થોડી વાર માટે!’ આન્યાને રોમાંચ જાગ્યો!
‘આ કમોસમી વરસાદ મારા જીવનમા ચાલતી સુખની season મા આવેલા કમોસમી દુઃખ જેવો જ છે! મને પણ વરસાદ ગમે છે પણ આવો નહીં.. આ તો જો છેલ્લા ત્રણ કલાક થી ચાલું છે.. અત્યાર સુધીમાં તો બધે પાણી ભરાઈ ગયા હશે!
Hey! I think કોઈનો કૉલ આવે છે, હું તને કરું કૉલ થોડીવાર પછી!, Bye! Thanks! જય શ્રી કૃષ્ણ!’ ધારિતે ફૉન મૂક્યો ને એટલામા ફરી ફૉન વાગ્યો!

‘ધીરુંભાઈનું ઘર?’ અજાણ્યો અવાજ સંભળાયો!
‘હા, એ ઘરે નથી, હું એમનો મોટો બાબો ધારિત બોલું, કંઈ કામ હતુ?’ ધારિતે કીધું.
‘ધીરુંભાઇનો ઍક્સિડન્ટ થયો છે તમે જલ્દી સયાજી હૉસ્પિટલમાં આવી જાવ!’ અને સામે છેડેથી ફૉન મૂકાઈ ગયો!

આ છેડે તો શાંત વાવાઝોડું આવ્યું, મોઢામાંથી શબ્દો છીનવાઈ ગયા, રડતા ય ના આવડે એવી પરિસ્થિતિ! સ્વરિતને સાથે લઈને ધારિત નીકળ્યો. વરસાદ ચાલું હતો. જવા માટે કોઈ રીક્ષા ના ઉભી રહે કે ના કોઇ લીફ્ટ આપવાની તસ્દી લે.
સોસાયટી વાળાને જાણ તો થઈ પણ આવા ભર વરસાદમા કોઈના ફટફટીયા સાથ નહીં આપે એવી બધાને ગળા સુધી ખાત્રી હતી. દૂરથી એક આશના કીરણ જેવી બસ દેખાઇ.. દિવસની છેલ્લી બસ.. એ જ ‘વ્હીલકૉસ’!

બસમા એક જણ કન્ડક્ટરને પૂછતો હતો, ‘આજે સાંજે તો માંડવી પાસે આ તમારા ‘વ્હીલકૉસ’વાળાએ રીક્ષાવાળાને ઠોકીને?
કન્ડક્ટરે ઠણકો કરતા કહ્યું, ‘ના ના, વોંક રીક્ષાવારાનો જ હતો.. મારો હાલો રોંગ સાઈડ પર ચલાવતો હતો પછી ઠોકાય જ ને!
આપણા રસ્તા પાછા સીક્ષ લૅનને! અને આ રીક્ષાવારા તો ચુ… પીને ચલાવે એટલે એમનો કઈ ભરોસો નહીં’.

ધારિતને એ વાતનો ખ્યાલ આવી ગયો કે આજે સવારના સમાચારના ટૅન્શનમા પપ્પા બેધ્યાન બન્યા હશે ને આ અકસ્માત સર્જાયો! બન્ને ભાઈઓ ભગવાનને એ જ પ્રાર્થના કરતા હતા કે પપ્પાને કંઈ વધારે વાગ્યું ના હોય્!
રડતા ગયાને મૂવાની ખબર લઈને આવ્ય એમ બન્યુ. મનમા જે ખોટા વિચાર ચાલતા હતા એ સાચા પડી ગયા! ધીરુભાઇના બચવાના ચાન્સ ખૂબ ઓછા હતા. માથામા ઇજા થઈ હતી એટલે લોહી ખૂબ વહી ગયું હતું અને બાકીની કસર અસ્થમાએ પૂરી કરી.
ધારિતને હતું કે જો કોઇ સારા દવાખાને ગયા હોત તો બચવાના ચાન્સ વધારે હતા પણ આ સરકારી દવાખાનાના બુડથલ ડૉક્ટર કંઈ નહી કરી શકે એ ગળા સુધી ખત્રી હતી. બે કલાક પછી એક ડોક્ટર હાથ હલાવતા આવ્યાને ધારિતને કીધુંકે ‘અમે દર્દીને બચાવી ના શક્યા!’

કુદરત એવો તો રુઠ્યો કે હવે નર્કથી સારી જગ્યા કોઈ નહીં ! લાશને ઘરે લવાઇ. ધારિત-સ્વરિત અનાથ થવાની સાથે શૂન્ય મનસ્ક થઈ ગયા હતા. કંઇક ગતાગમ પડતી નહતી. લાશમાંથી બદબૂ આવાની શરુઆત થઈ ગઈ હતી એટલે જેમ બને એમ વહેલી અંતિમક્રીયા કરવી જ હિતાવહ હતી. પાડોશી અને થોડા નજીકના સગા-સંબંધીઓએ અંતિમ વિધિ માટે તૈયારીઓ ચાલું કરી.

‘આવા વરસાદમાં લાકડા લીલાં હશે એમને સળગાવવા શક્ય નહી બને!’ એક ભલા માણસે સલાહ આપી.
‘કેરોસીન લઈ લ્યો સાથે.’ કોઈ ડાહ્યા માણસે સલાહ આપી.
અંતે ધીરુંભાઈની રીક્ષામાથી જ ‘કેરોસીન મીક્ષ્ડ પેટ્રોલ’ કાઢવામાં આવ્યું !!! અને કામ પાર પડ્યું.

*******************************************************************************************************************

૮ મહીના પછી…
હજુંય યે ભયાનક દિવસ ધારિત-સ્વરિતના મનમાથી ગયો નહતો. ક્યાંથી જાય? એક દિવસમાં આખી દુનિયા કોઇ ઝૂટવી જાય એ વાત કોણ માને? રીક્ષા વેચીને હૉસ્પીટલનો ખર્ચો ભર્યો, સ્વરિતની ફી ભરી. હવે કશું બચ્યું ન હતું!
જોકે સ્વરિત એના ૧૨માની તૈયારીમા હવે ધીરે-ધીરે વ્યસ્ત થવા લાગ્યો હતો! ધારિતને આન્યાના પપ્પાના ફ્રૅન્ડની કંપનીમા ટ્રેનીંગ મળી ગઈ હતી. એનું પરફોર્મન્શ જોઈને એને ત્યાં જોબ ઑફર થઈ અને ધારિતે સ્વીકારી લીધી હતી. કંપની એ નવા પ્રૉજેક્ટ માટે ધારિતને પ્રૉજેક્ટ મૅનેજર બનાવવાનું નક્કી કર્યું. પ્રોજેક્ટના નામ વિષે સરપ્રાઈઝ રાખવામાં આવ્યું હતું. ધારિત અને આન્યાના સંબંધ વિષે આન્યાના ઘરેથી સંમતી મળી ગઈ હતી. હજી બન્ને ની ઉંમર ઘણી નાની હોઈ લગ્નની વાત તો ઘણી દૂર હતી પણ બન્નેના રજીસ્ટર્ડ મેરેજ થઈ ગયા હતા!
ધારિતને એ જાણતો હતી કે કોઈ કંપની માટે વૅબસાઈટ બનાવવાની છે, પણ કંપનીનું નામ ખબર ન હતી. જ્યારે કંપનીના બૉસે announce કર્યું ત્યારે ધારિત સાવ અવાક થઈને બૉસને જ ભાળ્યા કર્યો!
જે કંપનીની વૅબસાઈટ બનાવવાની હતી એ કંપનીનું નામ હતું… ‘વ્હીલકૉસ’ !!!

—————————————————————————————————————————————————————–
કેટલીક સત્યઘટના અને કેટલીક કાલ્પનીક વાતોથી ઘડેલી આ વાર્તામાં મુખ્ય પાત્ર ધારિત છે. ‘વ્હીલકૉસ’ નામની બસ સેવાને કારણે એના પિતાની રીક્ષાનો વકરો ઓછો થાય છે. પણ એની સામે એને આ જ બસમા એનો પ્રથમ પ્રેમ પાછો મળે છે. આ જ કંપનીની બસ સાથે અકસ્માતમા એના પિતાનું મૃત્યું થાય છે અને આ જ કંપનીની વૅબસાઈટ બનાવવા માટે ધારિતને પ્રમૉશન મળે છે. આને કારણે જ આ વાર્તાનું નામ ‘જે મારતું તે પોષતું’ છે. આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છે કે ‘જે પોષતું તે મારતું, એ ક્રમ દિસે છે કુદરતી’ એવું જ કંઈ અહીયા પણ બને છે.. ફરક એટલો જ પરીબળો થોડા અકુદરતી છે! પણ એ એક વ્યક્તિના જીવનમા કેવી છાપ છોડી જાય છે એ દર્શાવ્યું છે!
જોકે આ વાર્તામાં બીજું પણ એક પાત્ર છે જે શીર્ષકને સાર્થક કરે છે!, રીક્ષા! જે એક સમયે આખા કુટુંબની જીવાદોરી બને છે એ જ અકસ્માતનું કારણ બને છે. પણ અંતે એના પેટ્રોલ અને ખુદ પોતે વેચાઈ જઈને એ પરિવાર ર્ની વાહે આવે છે!

વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર!

– આદિત શાહ

(The Navlika was part of “READGUJARATI VARTA SPARDHA 2010”-All rights reserved by readgujarati.com)