અછાંદસ

એમ તો લગભગ લોકો એને બહું ગણકારતા નહીં..
અને હું ય એને કંઇ ખાસ ભાવ નો’તો આપતો..
છતાં રોજ ઘરે આવતાં-જતાં હું એના ગાલે ટપલી મારી ને જતો..
ક્યારેય વાતચીત નો’તી થઈ..
પણ પત્રોની આપ-લે થતી ક્યારેક..
સંબંધ એમ સંબંધ કે’વાને લાયક નહતો..
પણ ધ્રાસકો ત્યારે પડ્યો કે જ્યારે મેં એને આળોટતાં જોઈ રસ્તા પર..
ખાડો ખોદીને કોઈએ જડમૂળથી કાઢી નાંખી’તી એ ‘ટપાલ પેટી‘!!
તપાસ કરતાં ખબર પડી કે..
Telephone ની line નંખાવાની હતી!!

– આદિત

 

Outdated 2

(source: http://www.knightlifecomic.com/2012/11/30/outdated-2/)

પતંગ કે દીકરી ?! (અછાંદસ)

માંજો જાતે પાયો’તો,
ને ચરખો ય મોંઘો વસાયો’તો!
કાકીએ છૂટ આપી
ને કાકાએ ચગાઈ..
પવને જરા દીશા બદલી
ને પાછલો પાડોશી-
તોફાની ચંદુ,
કાકાએ ક્યારની સંભાળેલી,
હવામાં સ્થિર,
એના typeની એકમાત્ર,
કાકાના ટેન્યાને ખુશ રાખતી,
૨૭૦ રુપિયાની એકની એક-
લઈ ગયો…કાકાના હાથમાંથી લઈ ગયો…!
અરે! લઈ ગયો શું..ખેંચી જ ગયો…!
ગુસ્સે થયા કાકા થોડા,
ફેંક્યા જોરથી ફીરકી-દોરા!
દુખતા હાથ,
કપાયેલી આંગળીઓ
ને બેઠેલા અવાજે કાકા બોલ્યા,
થોડી ઢીલ ઓછી આપી હોત તો,
ને છેલ્લે થોડી ખેંચી હોત તો..
હવે શું? ગઈ…ભાર દોરીમાં ગઈ..
હતી આપણી ને આપણી ના રહી!!
ભલે માંજો જાતે પાયો’તો,
ને ચરખો મોંઘો વસાયો’તો!

-આદિત

 

વચ્ચે ક્ષિતિજ રહી જાય છે!

જરુર પડ્યે ક્યારેક સાવ ખૂટી પડે સમય,
ને ક્યારેક વિચારોમાં કલાકો વહી જાય છે!

ઉગી ગયું છે બાવળનું ઝાડ ઘર આંગણે,
ને આ ગુલાબનો છોડ નાનો રહી જાય છે!

હંમેશા મારા શબ્દોની ઝંખના રહી તને,
સાંભળ! મારી આંખો ય ઘણું કહી જાય છે!

આ રાતમાં ઘણો પ્રકાશ હોવો જોઈએ,
રોજ સાંજે એ સૂર્યને ગળી જાય છે!

દરરોજ ઊઠે લાગણી ભાગી છૂટવાની ને પછી,
જોઈ દુનિયાના સીમાડા, પાછી વળી જાય છે!

કરે આકાશ લાખ પ્રયત્નો ધરતીને મળવાના,
તો ય ‘આદિત’, વચ્ચે ક્ષિતિજ રહી જાય છે!

-આદિત